રોક્યું ના રોકાય
રોક્યું ના રોકાય રે ઝરણું, રોક્યો ના રોકાય પવન,
ઊગતી કૂંપળને કોણ ના કહે? એનું તો ઊગવું જ જીવન.
પથ્થર મૂકો તો ફંટાઈ જાય, તોય ગાતું જાય,
પહાડ ચીરીને નીકળે, ને મેદાને મલકાય;
દીકરીનાં સપનાં પણ એવાં, એને ન બાંધો બંધન…
રોક્યું ના રોકાય…
પાંજરે પૂર્યું પંખી, તોયે ટહુકો ઊડી જાય,
વાડ કરો ખેતરે, તોયે મ્હેક સીમાડે જાય;
જે ઊગ્યું, એ ઊગશે જ, એનું કોણ કરે ખંડન?
રોક્યું ના રોકાય…
પરાગ કહે: જે રોકે એ થાકે, વહે તે ગાય,
ફૂલ ખીલે ત્યાં ખુશ્બૂ ઊડે, કોઈ ન રોકી શકાય;
ખુલ્લી હથેળી રાખો, તો આખું આભ કરે વંદન…
રોક્યું ના રોકાય…
– પરાગ રતનપરા