રોજનું કુરુક્ષેત્ર
રોજ સવારે કુરુક્ષેત્ર, ને રોજ ઢળે છે હાથ,
કેશવ, ક્યાં છે તારો રથ, ને ક્યાં છે તારો સાથ?
સામે ઊભા સગા-સંબંધી, મિલકતના કેસ-કાગળ,
ભાઈ સામે ભાઈ ઊભો, ને ઘેરું વેરનું વાદળ;
ધનુષ ઢાળી બેસું ત્યાં તો સંભળાય એ જ વાત…
રોજ સવારે…
રોજ સવારે ગીતા વાંચું, રોજ સાંજે ભૂલું,
‘કર્મ કરું, ફળ ના માગું’ — એ વાતે હું ઝૂલું;
પગાર-વધારો ન મળ્યો ત્યારે ગીતા આવી હાથ!…
રોજ સવારે…
પરાગ કહે: ના રથ, ના ઘોડા, ના શંખનો નાદ,
ભીતર બેઠો સારથિ પોતે, સાંભળ એનો સાદ;
તું પણ અર્જુન, ઊભો થા, ને મેલ વિષાદની વાત…
રોજ સવારે…
– પરાગ રતનપરા