રંગ દે
ફાગ ખેલે ગામ, એની ઓસરીને રંગ દે,
વર્ષથી મૂંગી પડેલી ઝાંઝરીને રંગ દે.
શ્વેત સાડી, શ્વેત સપનાં, શ્વેત એની રાત છે,
લાલ, લીલો, કે ગુલાબી, ઘાઘરીને રંગ દે.
નીર ભરવા એ જતી, ત્યાં સૌ નજર ત્રાંસી કરે,
એ નજરને છોડ, એની ગાગરીને રંગ દે.
સાથમાં એ ખેડતા'તા ખેતરે આખી ઉમર,
એ જ ખેતરમાં હસંતી બાજરીને રંગ દે.
આ પરાગે શ્યામને પણ કરગરી કીધું, ‘સખા,
શ્વેત એની ઓઢવાની ચાદરીને રંગ દે.’
– પરાગ રતનપરા
#ગઝલ #હોળી #ધૂળેટી #વૈધવ્ય #સંવેદના #પરાગરતનપરા
#GujaratiGhazal #Holi #FestivalOfColours #Widowhood #Compassion #ParagRatanpara