રિસાયેલી જિંદગી
જિંદગી રે, તું તો રિસાયેલી નાર,
લાખ મનાવું તોય તું ના માને લગાર.
સવારે હસીને તું ઝાંઝર ઝમકાવે,
બપોરે તડકાનાં તીર તું ચલાવે,
સાંજ પડે ને તું તો ચાલી જાય પાર…
જિંદગી રે…
મેં તો રોજ તારે માટે ગજરા ગૂંથ્યા,
તેં તો મારાં સપનાંના કાંકરા ચૂંટ્યા;
તોય તારી વાટ જોઉં ઊભો દરબાર…
જિંદગી રે…
પરાગ કહે: રિસામણાં તારાં રૂપાળાં,
તું ના હોત તો કોણ ભરત આ પ્યાલા?
રિસાઈ રહે તોય તું જ મારો શણગાર…
જિંદગી રે…
– પરાગ રતનપરા