રણનું ગીત
બહાર ખારોપાટ ને ભીતર મીઠી વીરડી રે,
કચ્છની ધરતી ઓઢે જાણે ભરતકામની ચૂંદડી રે.
ઊંટ ચાલે ધીમું ધીમું, ઘંટડી રણકે તાલે,
તડકે તપતી રેતી માથે, તોય ભરવાડ મલકે ચાલે;
ભરત ભરેલી ચોળી પહેરી, ઘૂમે કોઈ છોરી રે…
બહાર ખારોપાટ…
ચાંદની રાતે રણ ઝળહળે, જાણે દૂધનો દરિયો,
લોકગીતોના સૂરે સૂરે ઝૂમે આખો નેસડિયો;
ઓછું પાણી, ઝાઝું હેત, ને ખોલી દીધી ડેલી રે…
બહાર ખારોપાટ…
પરાગ કહે: જ્યાં તરસ ઊગે, ત્યાં જ ઊગે મીઠાશ,
ખારા પાણી વચ્ચે જેને મળે એક જ આશ;
એ જ માણસ સાચો રાજા, રણ એની મેડી રે…
બહાર ખારોપાટ…
– પરાગ રતનપરા