← મુખપૃષ્ઠ · કાવ્યસંગ્રહ

રણ

ઑક્ટોબર ૨૦૨૬કવિતા

હે સફેદ રણ!
ચાંદની રાતે
તું દરિયાનું ભૂલું પડેલું સપનું લાગે છે.

તારી છાતી પર
મીઠાના સ્ફટિક ઝગે છે,
જાણે
સદીઓ પહેલાં
અહીં રડી ગયેલા દરિયાનાં
સુકાયેલાં આંસુ.

લોકો આવે છે,
ફોટા પાડે છે,
ઊંટ પર બેસે છે,
ઉત્સવ કરે છે.

પણ ઉનાળાની બપોરે
જ્યારે કોઈ નથી હોતું,
ત્યારે
અગરિયો
ઉઘાડા પગે
તારા પર ચાલે છે —
મીઠું પકવે છે,
પગ બાળે છે.

હે રણ!
તું સુંદર છે,
પણ તારું સૌંદર્ય
પેલા દાઝેલા પગ પર
ટકેલું છે.
કોઈ દિવસ
એ પગની પણ
તસવીર લેજે.

– પરાગ રતનપરા

અછાંદસ
← પહેલો લેખવીંટીઆગલો લેખ →આયનો