← મુખપૃષ્ઠ · કાવ્યસંગ્રહ

રમતમાં

ઑક્ટોબર ૨૦૨૬કવિતા

સૂર્ય, ચાંદો, આભ સઘળું, સૌ લખોટી રમતમાં,
હાર ને જીતે હતી ના કો’ કસોટી રમતમાં.

રીસ ચડતી, રાવ થાતી, ને ખવાતો માર પણ,
બેનની ખેંચી હતી મેં એક ચોટી રમતમાં.

ભૂખ લાગે તો ઘરે દોડી જતા, બા આપતી,
ઘી અને ગોળે ભરેલી, હાથ રોટી રમતમાં.

ચોર ને પોલીસની રમતે બધું ખોટું હતું,
આજ સાચા ચોર છે, પોલીસ ખોટી રમતમાં.

આ ‘પરાગે’ જિંદગી માની રમત, ને એટલે
હાર લાગી ના કદી પણ સાવ મોટી રમતમાં.

– પરાગ રતનપરા

#ગઝલ #બાળપણ #રમત #લખોટી #નિર્દોષતા #પરાગરતનપરા
#GujaratiGhazal #ChildhoodGames #Innocence #Marbles #LifeAsPlay #ParagRatanpara

ગઝલ
← પહેલો લેખપાવોઆગલો લેખ →માસ્તર