← મુખપૃષ્ઠ · કાવ્યસંગ્રહ

રમતારામ

ઑક્ટોબર ૨૦૨૬કવિતા

ઈશ્વર, તું તો રમતારામ!
આભે મેઘધનુષ ચીતરે ને અમને સોંપે કામ…

તરસ્યા કંઠે ગીત મૂક્યું ને ગીત મહીં વેરાન,
રણની વચ્ચે ઝાંઝવું દઈને કહે, ‘લે, કર તું સ્નાન!’
હસતો હસતો દૂર ઊભો તું જોયા કરે આઠે જામ…
ઈશ્વર, તું તો રમતારામ!

ભાગ્ય લખ્યાં તેં પેન્સિલથી ને રબ્બર રાખ્યું પાસ,
જ્યાં ઘર બાંધું ત્યાં જ ભૂંસે તું, આપે નવો પ્રવાસ;
પૂછું ‘કેમ?’ તો વાંસળી વાગે, ના ઉત્તર, ના ઠામ…
ઈશ્વર, તું તો રમતારામ!

પરાગ કહે: આ રમત તમારી, અમે તમારા દાવ,
હાર-જીતનું શું કરવું, જો રમવાનો છે ચાવ!
ફૂલ બનીને ખરીએ ત્યાં પણ લખજે તારું નામ…
ઈશ્વર, તું તો રમતારામ!

– પરાગ રતનપરા

ગીત
← પહેલો લેખશ્યામ રંગઆગલો લેખ →હા કે ના