રાતપાળી
રાતના બાર વાગે
સોસાયટીનો દરવાજો બંધ થાય છે,
ને બહાદુરની સીટી શરૂ થાય છે.
એ ચોથે માળની બારી જુએ છે —
ત્યાં હજી લૅપટૉપ ઝબકે છે.
ત્રીજે માળે બાળક રડે છે,
બીજે માળે ઝઘડો,
ને પહેલે માળે
કોઈ એકલું ટીવી સામે ઊંઘી ગયું છે.
બહાદુર બધાની ઊંઘનો ચોકીદાર છે.
સવારે છ વાગે
એ પોતાનો ડંડો દીવાલે ટેકવે છે,
ને પાંચસો માઈલ દૂરના
એક ગામને યાદ કરે છે —
જ્યાં એના ઘરના બારણે
વરસોથી
કોઈ ચોકીદાર નથી,
ને સાંકળ પણ નથી.
– પરાગ રતનપરા