રાખ્યું ગળે
આખા જગતનું ઝેર પી, મેં પ્રીતથી રાખ્યું ગળે,
ના કોઈને દેખાય, એવી રીતથી રાખ્યું ગળે.
નણદી તણી ને સાસુની તીખી બધી વાતો, વળી
વહુએ બધું ચૂલા તણા સંગીતથી રાખ્યું ગળે.
સંતાન જાગી જાય ના, એ બીકથી આખું રુદન
માએ સદા હાલા તણા એ ગીતથી રાખ્યું ગળે.
પૂછ્યું જગે: શું દર્દ છે? મેં તો હસી કીધું: નથી,
મેં હાર પણ આખી સદા એ જીતથી રાખ્યું ગળે.
ભમરા તણા જે ડંખ લાગ્યા, ફૂલનું એ દર્દ પણ
આખું પરાગે મ્હેકના નવનીતથી રાખ્યું ગળે.
– પરાગ રતનપરા
#ગઝલ #નીલકંઠ #સહનશીલતા #સ્ત્રી #મા #પરાગરતનપરા
#GujaratiGhazal #Neelkanth #SilentEndurance #WomensStrength #Motherhood #ParagRatanpara