રાખડી
રાખડી બાંધું વીરા, તારે કાંડે રેશમ દોર,
આ દોરે બાંધ્યું છે બેનીનું હૈયું, નથી બીજો કોઈ તોર.
નાનપણમાં તેં ચોકલેટ ચોરી, મારે ભાગે આપી,
મારી ઢીંગલી તૂટી ત્યારે તેં જ ગુંદરથી સાંધી;
હવે પરદેશ વસ્યો વીરા, ને ગામે સૂનો મોર…
રાખડી બાંધું…
કુરિયરમાં રાખડી મોકલું, વીડિયો કૉલે જોઉં,
સ્ક્રીન ઉપર તારું કાંડું ઝાલવા હાથ લંબાવી રોઉં;
સાત સમંદર વચ્ચે પણ ના તૂટે આ દોર…
રાખડી બાંધું…
પરાગ કહે: આ દોરો નથી રે, આ તો બેનીનું વ્રત,
જ્યાં જાય ત્યાં વીરાને રાખે ઈશ્વરની સંગત;
ભાઈ-બેનના હેતની ઊગે રોજ નવી રે ભોર…
રાખડી બાંધું…
– પરાગ રતનપરા