હૈયાનો કાંટો
પગમાં વાગ્યો કાંટો તો મા કાઢી દેતી સોયે,
હૈયે વાગ્યો કાંટો, એને કોણ રે કાઢે, કોઈ?
ઝીણી ઝીણી ટીસ ઊઠે, ને રાતે ઊંઘ ન આવે,
હસતે મોઢે ફરું ગામમાં, ભીતર કોઈ રડાવે;
વૈદે નાડી જોઈ, દવા દીધી, તોય રહી હું રોઈ…
હૈયે વાગ્યો…
એક વેણ જે બોલી ગયા’તા સાજન છેલ્લી વેળા,
એ જ વેણનો કાંટો ખટકે, ઊભો રહે ભેળા;
મેં તો એને ફૂલ ગણીને રાખ્યો છે સંજોઈ…
હૈયે વાગ્યો…
પરાગ કહે: આ કાંટો નથી રે, આ તો પ્રીતની નિશાની,
ખટકે ત્યાં લગી જીવે છે આ હૈયાની કહાણી;
જે દી’ કાંટો નહીં ખટકે, તે દી’ પ્રીત જશે ખોઈ…
હૈયે વાગ્યો…
– પરાગ રતનપરા