← મુખપૃષ્ઠ · કાવ્યસંગ્રહ

રાધા હતી

ઑક્ટોબર ૨૦૨૬કવિતા

શંખના ઘોષે ય ગુંજે રાગિણી રાધા હતી,
રેશમી પીતાંબરે આ ઓઢણી રાધા હતી.

સોનલી નગરી હતી, રાણી હતી આઠે, છતાં
શ્યામના હૈયે સતત જે માગણી, રાધા હતી.

છાશ, માખણ, વાંસળી, ને ગાયનું ધણ, ગોકુળે,
એ જ ધરતીમાં પ્રથમ જે વાવણી, રાધા હતી.

તીર વાગ્યું પગમહીં, ને શ્યામ પીપળ હેઠ'તા,
આખરી શ્વાસે સરી જે, લાગણી રાધા હતી.

ગાઈ ગીતા, પણ ન લીધું નામ એનું, ઓ ‘પરાગ’,
શ્યામને બાંધી શકી જે બાંધણી, રાધા હતી.

– પરાગ રતનપરા

#ગઝલ #રાધા #કૃષ્ણ #દ્વારિકા #અમરપ્રેમ #પરાગરતનપરા
#GujaratiGhazal #Radha #Krishna #Dwarka #EternalLove #ParagRatanpara

ગઝલ
← પહેલો લેખકોને કહું?આગલો લેખ →દર વરસ