પ્યાલામાં
હતી સાકી, હતો સાથી, ઢળી'તી રાત પ્યાલામાં,
અમે પી ગ્યા, હતી જે જિંદગીની વાત પ્યાલામાં.
અહીં ના કોઈ ઊંચું છે, અહીં ના કોઈ નીચું છે,
ખુદા પોતે ય બેસે છે, વિસારી જાત પ્યાલામાં.
બધી પીડા, બધા ઘાવો, બધી હારો, બધાં રુદનો,
બધું સોંપી, નમી ઊભા, મળી સોગાત પ્યાલામાં.
જગતમાં તો સગાંએ પણ છરી ભોંકી હતી પીઠે,
અહીં દુશ્મન ય ભેટે છે, નથી કો ઘાત પ્યાલામાં.
પરાગે ઘૂંટ લીધો ત્યાં, ગઝલ થઈ મ્હેક ઊછળતી,
નિહાળી મોતની પણ મેં, થયેલી મ્હાત પ્યાલામાં.
– પરાગ રતનપરા
#ગઝલ #સાકી #સૂફી #મયખાનું #સમર્પણ #પરાગરતનપરા
#GujaratiGhazal #Saqi #SufiPoetry #Tavern #Surrender #ParagRatanpara