પ્રેમપત્રો
લગ્નની આગલી રાતે
મેં તારા પત્રો
બાળવાનું નક્કી કર્યું.
ચૂલો સળગાવ્યો,
પહેલો પત્ર મૂક્યો —
‘પ્રિય…’
એટલું બળ્યું
ને આગ ઠરી ગઈ.
બીજો મૂક્યો,
એમાં તેં
વરસાદનું વર્ણન કર્યું’તું —
એ ભીનો હતો,
સળગ્યો જ નહીં.
ત્રીજામાં
ગુલમહોરની એક પાંખડી હતી;
એ બળી,
ને આખું રસોડું
લાલ થઈ ગયું.
સવાર પડી.
પત્રો અડધા બળેલા,
અડધા બચેલા,
ને હું
આખો રાખ.
આજે પચીસ વર્ષે
મારી પત્ની
ક્યારેક પૂછે છે:
‘તમારા અક્ષર
આટલા ધ્રૂજતા કેમ છે?’
એને શું કહું —
કે મારા હાથ
હજી એ ચૂલા પાસે
બેઠા છે.
– પરાગ રતનપરા