પ્રેમને મળવા પ્રેમ
પ્રેમને મળવા પ્રેમ ચાલ્યો, ભૂલી ગયો ઘરબાર,
એક જ શ્વાસે બેઉ જીવ્યાં, એક જ રે ધબકાર.
એણે પૂછ્યું: ‘તું કોણ?’ ને આણે કહ્યું: ‘તું જ!’
દર્પણ સામે દર્પણ મૂક્યું, ક્યાં શોધું હવે મુજ?
નામ ભૂંસાયાં, ઠામ ભૂંસાયાં, ભૂંસાયો આકાર…
પ્રેમને મળવા પ્રેમ ચાલ્યો…
ગામ કહે: ‘આ ઘેલાં થ્યાં’, ને જ્ઞાની કહે: ‘ભરમ’,
ઝાકળ જાણે સૂરજ સાથે ઊડવાનો મરમ;
ફૂલ ખરે તો ખુશ્બૂ પૂછે: ‘કોનો આ શણગાર?’
પ્રેમને મળવા પ્રેમ ચાલ્યો…
પરાગ કહે: આ પ્રેમની ભાષા કોઈ ન ઉકેલે,
જે ઉકેલવા બેસે, એ તો જીવતર આખું ખેલે;
બે જણ મળીને એક થયાં, ત્યાં ક્યાં રહી તકરાર?
પ્રેમને મળવા પ્રેમ ચાલ્યો…
– પરાગ રતનપરા