પ્રેમમાં
કેટલા દરિયા તરીને જાત ભૂલ્યા પ્રેમમાં,
શૂળ પર પણ સેજ જાણી કોણ ઝૂલ્યા પ્રેમમાં?
કોઈ મજનૂ, કોઈ રાંઝા, કોઈ મીરાં થઈ ગયાં,
ઝેર પીધાં, ઘાવ ઝીલ્યા, ભાન ડૂલ્યા પ્રેમમાં.
ચાંદ-તારા લાવવાના વાયદા જે પણ કરે,
એમણે ભેટો તણા પૈસા વસૂલ્યા પ્રેમમાં!
રાતભર જોયા કરી મેં સ્ક્રીન સામે, પણ નહીં,
ફોનનાં તાળાં સમા એ ક્યાંય ખૂલ્યા પ્રેમમાં?
જે ગુમાવ્યું, એ જ પામ્યા, આ ગણિત ઊંધું, ‘પરાગ’,
સાવ ખાલી થઈ ગયા, તે સૌ જ ફૂલ્યા પ્રેમમાં.
– પરાગ રતનપરા
#ગઝલ #પ્રેમ #પ્રેમીઓ #મજનૂ #મીરાં #પરાગરતનપરા
#GujaratiGhazal #Lovers #LoveAndLoss #ModernRomance #Surrender #ParagRatanpara