← મુખપૃષ્ઠ · કાવ્યસંગ્રહ

પ્રીત્યું તો ઝાકળ

ઑક્ટોબર ૨૦૨૬કવિતા

પ્રીત્યું તો પાંદડે બાંધેલ ઝાકળ, સાચવો તો સરકે રે,
મૂઠી વાળો તો ખોવાય, ને ખુલ્લી હથેળીએ મલકે રે.

પ્રીત ન માગે હાટ-હવેલી, ન માગે હીરા-મોતી,
માગે એક જ સાંજ સુંવાળી, ને ઝાંપે દીવા-જ્યોતિ;
ઓછામાં ઓછું માગે, ને આખું આયખું છલકે રે…
પ્રીત્યું તો…

બાંધો તો તૂટી જાય, ને છોડો તો પાછી આવે,
પારેવા જેવી પ્રીત્યું, આભે ઊડે ને ગાવે;
જેટલી દૂર, એટલી પાસે, હૈયે હળવે ધડકે રે…
પ્રીત્યું તો…

પરાગ કહે: પ્રીત તો છે ફૂલમાં સૂતી ફોરમ,
ચૂંટો તો કરમાઈ જાય, ને માણો તો મ્હેકે હરદમ;
પ્રીત્યું તો બસ ઝીલવાની, જ્યાં વરસે ત્યાં ઝબકે રે…
પ્રીત્યું તો…

– પરાગ રતનપરા

ગીત
← પહેલો લેખસરનામુંઆગલો લેખ →ચાંદની ઓઢી ચાલીએ