ચાંદની ઓઢી ચાલીએ
ચાલ સખી, ખેતરની પાળે, ચાંદની ઓઢી ચાલીએ,
ઝાકળભીના ઘઉંના ડૂંડે પગલાં મૂકી મ્હાલીએ.
દૂર કૂવે રેંટ ગણગણે, તમરાં ગાય સંગ,
ચાંદો ઢોળે દૂધ-કટોરી, ધરતી ન્હાતી અંગ;
વાડ ઉપર આગિયા ઝબૂકે, ચાલ, એને ઝાલીએ…
ચાલ સખી…
ગામ આખું ઘોરે, ત્યારે તારા ગણતાં બેઠાં,
વાતો કરતાં ભૂલી જઈએ કોણ ક્યાંથી પેઠાં;
ભવ આખો આ એક જ રાતે, ચાલ, હસીને ગાળીએ…
ચાલ સખી…
પરાગ કહે: આ ચાંદની જેવી પ્રીત અમારી ધોળી,
ના દઝાડે, ના અકળાવે, ભીંજવે ભોળી ભોળી;
પૂનમ જેવું આયખું, સખી, ચાલ, સાથે અજવાળીએ…
ચાલ સખી…
– પરાગ રતનપરા