પ્રજાનું છે
તિરંગો આભમાં ઊડે, કહે: શાસન પ્રજાનું છે,
ઘણું લાંબું, ઘણું ઊંચું, ઘણું ભાષણ પ્રજાનું છે.
કતારે ભૂખની ઊભી રહી છે આજ આઝાદી,
દુકાને બોર્ડ ઝૂલે છે: ‘બધું રાશન પ્રજાનું છે’.
હતો એ ઝૂંપડીમાં, કાલ ચૂંટાયો અને આજે
ગયો સેવક બની રાજા, કહે: ‘આસન પ્રજાનું છે’.
સડક ખાડે, ગટર રસ્તે, પુલો પડતા ગયા જ્યારે,
કહે મંત્રી હસીને: ‘આ બધું કારણ પ્રજાનું છે’.
પરાગે ગીત ગાયું, ને તિરંગાને સલામી દઈ,
કલમ મારી, ભલે, એનું ખરું ગાયન પ્રજાનું છે.
– પરાગ રતનપરા
#ગઝલ #પ્રજાસત્તાકદિન #લોકશાહી #વ્યંગ #તિરંગો #પરાગરતનપરા
#GujaratiGhazal #RepublicDay #Democracy #PoliticalSatire #Tricolour #ParagRatanpara