પ્રાર્થના
હે જી હરિ, તારી દુનિયા બચાવ, આ વેળા સંકટ ટાળ રે,
માણસ ભૂલ્યો માણસપણું, એને પાછો પાળ રે.
નદીઓ ઝેરી, હવાઓ ભારે, જંગલ થયાં ઉજ્જડ,
પંખી ભૂલ્યાં માળો, ને ભૂલ્યા વાદળ પોતાની ગડગડ;
ધરતી માતા હાંફે છે, એને દે થોડી સંભાળ રે…
હે જી હરિ…
ભાઈ ભાઈના લોહીનો તરસ્યો, ધરમને નામે ધાડ,
મંદિર-મસ્જિદ ઊંચાં થયાં, ને નીચાં થયાં સૌ ઝાડ;
દીવો તારો ઝાંખો પડ્યો, એમાં ભરી દે ઉજાળ રે…
હે જી હરિ…
પરાગ કહે: મારે સ્વર્ગ ન જોઈએ, ન જોઈએ મોક્ષનો મોલ,
બસ બાળકના હોઠે હાસ્ય ને ખેડુનાં ખેતરે ઢોલ;
એટલું આપ તો ઘણું, નાથ, પછી લઈ લે બધી જંજાળ રે…
હે જી હરિ…
– પરાગ રતનપરા