← મુખપૃષ્ઠ · કાવ્યસંગ્રહ

પોસ્ટમૉર્ટમ રિપોર્ટ

ઑક્ટોબર ૨૦૨૬કવિતા

મૃત્યુનું કારણ:
ભૂખ.

પેટમાં મળ્યું:
થોડું પાણી,
એક ચોળાયેલી
સરકારી યોજનાની જાહેરાત,
ને ત્રણ દિવસ જૂની
આશા.

હૃદય:
સામાન્ય કરતાં મોટું —
કદાચ
ઘણાં સપનાં
એમાં રહેતાં હશે.

હાથ:
ઘસાયેલા,
રેખાઓ લગભગ ભૂંસાયેલી.

ખાસ નોંધ:
મરનારના ખિસ્સામાંથી
એક ચિઠ્ઠી મળી છે,
દીકરાની સ્કૂલ-ફીની.

ફાઈલ બંધ.
આવતી ફાઈલ.

– પરાગ રતનપરા

અછાંદસ
← પહેલો લેખવહેંચ્યુંઆગલો લેખ →યાદમાં