પોલું પડે
વાગવા માટે જ તો આ ઢોલકું પોલું પડે,
એકતારે ગાય, તેથી તુંબડું પોલું પડે.
રોશની છે ગામ આખે, ઘર-ઘરે પકવાન છે,
તોય પેલી ઝૂંપડીમાં હાંડલું પોલું પડે.
તેલ ઝીલે, વાટ પોષે, રાતને અજવાળવા,
એટલે માટી તણું આ કોડિયું પોલું પડે.
સોનના સળિયા, સજાવટ, દાણ ને પાણી બધું,
તોય પંખી ઊડતાં આ પાંજરું પોલું પડે.
ભાવ ભરવા, શબ્દને પણ રાખજે ખાલી, પરાગ,
પ્યાસને પાવા જ તો આ માટલું પોલું પડે.
– પરાગ રતનપરા
#ગઝલ #ખાલીપો #શૂન્યતા #અધ્યાત્મ #ગરીબી #પરાગરતનપરા
#GujaratiGhazal #Emptiness #HollowAndWhole #Spiritual #Poverty #ParagRatanpara