ભીંજાવા દે
બા, મને આજ તો ભીંજાવા દે,
કાગળની હોડીને તરવા દે.
ગાજે છે વાદળ ને વીજળી ઝબૂકે,
દેડકાં ગાય ને મોર પણ ટહુકે;
ખાબોચિયે ખાબોચિયે છબછબ,
મને ય મોર થઈ નાચવા દે.
બા, મને આજ તો…
શરદી થાશે, તો ઉકાળો પીશું,
ભૂખ લાગે તો ભજિયાં ખાશું;
ચોપડી-દફતર બાજુએ મૂકી,
આકાશનો પાઠ ભણવા દે.
બા, મને આજ તો…
પરાગ કહે: બા બારણે ઊભી,
આંખમાં એનું બાળપણ ડૂબી;
હળવેથી બોલી: ‘જા, દીકરા, જા’,
ને પોતેય પાલવ ભીંજાવા દે.
બા, મને આજ તો ભીંજાવા દે…
– પરાગ રતનપરા