પંડમાં પરમ
મંદિરની લાઇનમાં
બે કલાક ઊભો રહ્યો,
પ્રસાદની ઝબકમાં
પ્રભુ દેખાયા — ન દેખાયા.
ઘરે આવ્યો,
થાકીને ઓસરીએ બેઠો,
ત્યાં બાએ
વાડકીમાં છાશ ધરી.
એક ઘૂંટડે
ગળું ઠર્યું,
બીજે ઘૂંટડે
આંખ ઠરી,
ત્રીજે ઘૂંટડે
એવું લાગ્યું
કે ભીતર કોઈ
ધીમેથી હસ્યું.
મેં બાને પૂછ્યું,
‘આમાં શું નાખ્યું છે?’
બા બોલી, ‘જીરું, મીઠું, ને થોડો જીવ.’
હવે હું
લાઇનમાં ઊભો રહેતો નથી.
પરમ
પંડમાં જ ચાખી લઉં છું —
થોડા જીવ સાથે.
– પરાગ રતનપરા