પિયરની ઘંટી
મારા પિયરની ઘંટીનો ઘરઘર સાદ સંભળાય,
સાસરિયે સૂતી, ને મારી આંખ્યું ભીંજાય.
વ્હેલી સવારે માડી દળતી, ગાતી પ્રભાતિયાં,
હું ઓઢણ ઓઢી સૂતી, સપને ઊડતાં પતંગિયાં;
લોટની ઝીણી રજમાં માનું મુખડું ધોળું થાય…
સાસરિયે સૂતી, ને મારી આંખ્યું ભીંજાય.
અહીં તો મિક્સર ઘરઘર ગાજે, ઘંટી ક્યાંય ન દીઠી,
સાસુ સારાં, સાજન સારા, વાત બધી યે મીઠી;
તોય કોઈ ખૂણે મનડું મારું માના પાલવ જાય…
સાસરિયે સૂતી, ને મારી આંખ્યું ભીંજાય.
પરાગ કહે: દીકરી તો છે બે ઘરની દીવાદાંડી,
એક ઘરે અજવાળું કરતી, બીજે ઝાંખી મીંડી;
ઘંટીનાં પડ જેમ ફરે, એ બે ઘર વચ્ચે ઘસાય…
સાસરિયે સૂતી, ને મારી આંખ્યું ભીંજાય.
– પરાગ રતનપરા