પિંજરે
એક પંખી રોજ ગણતું શેષ શ્વાસો પિંજરે,
ને સગાંઓ રોજ આવી દે દિલાસો પિંજરે.
હો ભલે સોને મઢેલું, હોય મોતીનો ચણો,
તો ય લાગે છે ગળામાં એક ફાંસો પિંજરે.
દ્વાર ખુલ્લું, તો ય પંખી બ્હાર ના ઊડ્યું કદી,
ટેવ સળિયાની પડી, એનો ખુલાસો પિંજરે.
કાચ ને લોખંડના ઊંચા મિનારે આજ, લ્યો,
માનવી ખુદને જ દેતો રોજ ઝાંસો પિંજરે.
પાંખડીની કેદમાં ખુશ ખુશ હતો કાલે પરાગ,
પણ પવન આવી ગયો ને લખ પ્રવાસો પિંજરે.
– પરાગ રતનપરા
#ગઝલ #પિંજરું #આત્મા #મુક્તિ #બંધન #પરાગરતનપરા
#GujaratiGhazal #CagedBird #SoulAndBody #Freedom #Bondage #ParagRatanpara