ગાઉં છું
ભરી પ્યાલી ગઝલ કેરી, નશામાં રાગ ગાઉં છું,
બળે ભીતર, છતાં હસતાં હૃદયની આગ ગાઉં છું.
હતો ફાગણ, ગુલાલે સૌ હતાં ભીનાં સખી સાથે,
અને હું ઢોલની થાપે મજાનો ફાગ ગાઉં છું.
ભરેલું ઘર, હસે બાળક, તવો ચૂલે, ગરમ રોટી,
છતાં ક્યારેક હું મનમાં જરા વૈરાગ ગાઉં છું.
કપાયાં વૃક્ષ, ત્યાં ઊંચી ઇમારત છે નગર વચ્ચે,
અટારીએ ઉગાડીને ગયેલો બાગ ગાઉં છું.
પરાગે સ્હેજ કીધું જ્યાં, હવાની સાથ ઊડીને,
ખરેલાં પાંખડાંનો હું મધુર અનુરાગ ગાઉં છું.
– પરાગ રતનપરા
#ગઝલ #સંગીત #ગાન #ફાગણ #વૈરાગ #પરાગરતનપરા
#GujaratiGhazal #SongOfLife #MusicAndPoetry #Spring #Detachment #ParagRatanpara