પિંજરાનું પંખી
ઉઘાડું આભ ના જોયું, છતાં રટતું રહે પંખી,
સળીયા પાછળે આકાશને ઘડતું રહે પંખી.
ખરી પીંછી, પડી ઝાંખી ય પાંખો, તોય ના થાક્યું,
હવાના નામનો કાગળ હજી લખતું રહે પંખી.
ભલે દાણા, ભલે પાણી, ભલે સોના તણો ઝૂલો,
છતાં ઊંડે ગગન માટે, સદા બળતું રહે પંખી.
ધરાવાળા કહે છે: 'કેટલું મીઠું, મધુર ગાયે!'
ન જાણે કોઈ, પીડાને છુપી વણતું રહે પંખી.
પરાગે પાંજરું ખોલ્યું, ગગન આખું ધરી દીધું,
ગયું ભૂલી ઉડાનો, બારણે ડરતું રહે પંખી.
– પરાગ રતનપરા
#ગઝલ #પિંજરું #પંખી #મુક્તિ #પીડા #પરાગરતનપરા
#GujaratiGhazal #CagedBird #Freedom #LearnedFear #SongOfPain #ParagRatanpara