← મુખપૃષ્ઠ · કાવ્યસંગ્રહ

બે કપ

ઑક્ટોબર ૨૦૨૬કવિતા

દર સાંજે
છ વાગ્યે
એ બે કપ ચા બનાવે છે.

એક પોતાનો,
એક
ઝૂલા પરની ખાલી જગ્યાનો.

પહેલો કપ
ગરમ ગરમ પી લે છે,
બીજો
ઠંડો થવા દે છે —
એને ગરમ ચા ક્યાં ભાવતી હતી?

પડોશીઓ કહે છે:
‘કાકા, હવે છોડો,
ત્રણ વરસ થયાં.’

કાકા હસે છે:
‘ત્રણ નહીં, બેટા,
બાવન વરસ થયાં…
ને હજી
ખાંડ કેટલી નાખવી
એ એને પૂછ્યા વગર
નક્કી નથી થતું.’

સવારે
ઠંડો કપ
ખાલી મળે છે.
કોણ પીએ છે,
એ ચા જાણે
ને ઝૂલો.

– પરાગ રતનપરા

અછાંદસ
← પહેલો લેખપિંજરાનું પંખીઆગલો લેખ →રજાની બપોર