← મુખપૃષ્ઠ · કાવ્યસંગ્રહ

પિંજરાનો પોપટ

ઑક્ટોબર ૨૦૨૬કવિતા

સોનાનું પિંજરું ને ચાંદીની વાટકી, ને લીલાં મરચાંનો થાળ,
તોય પોપટ પૂછે છે રે, ક્યાં ગઈ મારી આંબાની ડાળ?

‘રામ રામ’ બોલું તો શેઠ હરખાય, મહેમાનો તાળી પાડે,
પણ મારી પાંખોને કોણ પૂછે, કેમ એ ઊડવા ના ચાહે?
આભ દેખાય છે સળિયામાંથી, ટુકડે ટુકડે બેહાલ…
તોય પોપટ પૂછે છે રે…

એક સવારે બારી ખુલ્લી, પિંજર પણ રહ્યું ખુલ્લું,
પાંખો ફફડી, પણ ઊડવાનું ભૂલી ગઈ'તી સઘળું;
બહાર ડોકું કાઢી પાછો વળ્યો, લાગી મોટી દુનિયાની જાળ…
તોય પોપટ પૂછે છે રે…

પરાગ કહે: આ પોપટ જેવા આપણે ય સૌ ઘરમાં,
સગવડનાં સોનેરી પિંજર, ને પાંખો ભૂલ્યા ડરમાં;
પિંજરું તોડો, પાંખો ખોલો, હજી ઊભી છે ડાળ…
તોય પોપટ પૂછે છે રે, ક્યાં ગઈ મારી આંબાની ડાળ?

– પરાગ રતનપરા

ગીત
← પહેલો લેખહતોઆગલો લેખ →વિશ્રામ