પીંછું
એક પીંછું ઊડ્યું ને ઘર આખું ભીંજાયું,
મોરનું પીંછું જોયું ને મન મારું મુંઝાયું.
ચોપડીમાં મૂક્યું’તું એક દિ’ ભણતાં ભણતાં,
‘પીંછું વિયાશે’ કહી તમે હસતાં હસતાં;
વરસો ગયાં, ન વિયાયું, તોય ના વિસરાયું…
એક પીંછું ઊડ્યું…
આજે અભરાઈ ઝાટકી તો નીચે પડ્યું ધીમે,
જાણે તમારો સાદ પડ્યો આ ઘરની સીમે;
ચોમાસું ના’વ્યું તોય, સાજન, આંખે આવ્યું, છાયું…
એક પીંછું ઊડ્યું…
પરાગ કહે: આ પીંછું નથી, આ તો વીત્યો વખત,
એક ઝાપટે આવે ને ભીંજવે, કરે ન કોઈ શરત;
પાછું મૂકું ચોપડીમાં, ને મનમાં ગીત ગવાયું…
એક પીંછું ઊડ્યું…
– પરાગ રતનપરા