પીળું પાન
ડાળ પર
એક પીળું પાન
નવી કૂંપળને કહે છે:
‘ઉતાવળ ન કરતી.
તડકો આવશે, ને જશે.
વરસાદ આવશે, ને ભીંજવશે.
પક્ષીઓ આવશે,
થોડું ગાશે, થોડું ચરકશે,
ને ઊડી જશે.
કોઈ તને ચૂંટશે નહીં —
તું ફૂલ નથી.
કોઈ તને ખાશે નહીં —
તું ફળ નથી.
પણ યાદ રાખજે,
આખા ઝાડનો શ્વાસ
તારાથી જ ચાલે છે.’
કૂંપળે પૂછ્યું:
‘ને તમે?
તમે ક્યાં જશો?’
પીળું પાન હસ્યું,
પવનની રાહ જોતું રહ્યું,
ને બોલ્યું:
‘નીચે.
મૂળ પાસે.
ત્યાંથી ફરી
તારી પાસે આવીશ.’
– પરાગ રતનપરા