પવન ને ઝાડ
જેમ પવનને ઝાડ મળે, બસ એમ જ મળીએ,
થોડું ઝૂલીએ, થોડું નમીએ, થોડું ઢળીએ.
ના બાંધીએ ગાંઠ, ના કરીએ કોઈ કરાર,
ના પૂછીએ કેટલા દિવસ, ના પૂછીએ વાર;
ડાળે બેઠાં પંખી જેમ જ ગાઈને ઊડીએ…
જેમ પવનને…
પવન ગયો તો ઝાડ રહે છે મૂળમાં ઊભું,
ઝાડ નમ્યું તો પવન ન માગે ઋણ કે ભાડું;
એકબીજાને સુવાસ દઈને હળવે હળીએ…
જેમ પવનને…
પરાગ કહે: આ પકડવું ને છોડવું શું?
પાંદડે પાંદડે હરખ લખાયો, બીજું શું?
સાથ મળે તો ગાઈએ, ને છૂટે તો ઝળહળીએ…
જેમ પવનને…
– પરાગ રતનપરા