← મુખપૃષ્ઠ · કાવ્યસંગ્રહ

પાસપોર્ટ

ઑક્ટોબર ૨૦૨૬કવિતા

મારા પાસપોર્ટમાં
જન્મસ્થળ લખ્યું છે:
એક નાનકડા ગામનું નામ.

ઇમિગ્રેશનવાળો
એ નામ બોલી શકતો નથી,
જીભ લથડે છે,
ને હસીને સિક્કો મારી દે છે.

મને ગુસ્સો નથી આવતો.

એને ક્યાંથી ખબર
કે એ નામમાં
એક લીમડો છે,
એક કૂવો,
એક નિશાળ જેની ઘંટડી
હજી મારા કાનમાં વાગે છે,
ને એક ઓસરી
જ્યાં બા
હજી મારી રાહ જુએ છે.

એ નામ
બોલવાનું નથી,
જીવવાનું છે.

– પરાગ રતનપરા

અછાંદસ
← પહેલો લેખકાનુડો કૂદ્યોઆગલો લેખ →પવન ને ઝાડ