પતંગિયું
બારી વાટે પતંગિયું આવ્યું, ઘરમાં રંગ ઢોળાયા,
વરસો જૂના સૂના ઓરડા ફૂલ સમા મ્હેકાયા.
દાદાજીનાં ચશ્માં ઉપર બેઠું ઘડીક ઝૂલી,
દાદા હસ્યા, વરસો પછી સઘળી પીડા ભૂલી;
જૂના ફોટા, જૂની વાતો, આંખોમાં ભીંજાયા…
બારી વાટે…
નાની બેબી દોડી પાછળ, હાથ લંબાવી ઝાલે,
પતંગિયું તો ઊડી ઊડી બેઠું બાને ગાલે;
બાએ ઓઢણ ઢાંક્યું, જાણે પહેલા કોડ જગાયા…
બારી વાટે…
પરાગ કહે: ના પૂરશો એને, બારી ખુલ્લી રાખો,
આવ્યું છે એ જાવા દેજો, રંગ જરા જ ચાખો;
મહેમાન છે સુખ, રોકો તો રંગ બધા ભૂંસાયા…
બારી વાટે…
– પરાગ રતનપરા