પથ્થર
રસ્તાની વચ્ચે
એક પથ્થર પડ્યો હતો.
લોકો ઠેસ ખાતા,
ગાળો દેતા,
આગળ વધી જતા.
એક દિવસ
કોઈએ
એના પર સિંદૂર ચોપડ્યું,
બે ફૂલ મૂક્યાં,
એક નાળિયેર ફોડ્યું.
હવે
લોકો ઠેસ ખાય છે
તો માફી માગે છે,
દીવો કરે છે,
માનતા માને છે.
સામે ફૂટપાથ પર
એક ભિખારી
રોજ સવારે
એ પથ્થરને જોઈને
વિચારે છે:
‘મને કોઈ
થોડું સિંદૂર
કેમ નથી ચોપડતું?’
– પરાગ રતનપરા