← મુખપૃષ્ઠ · કાવ્યસંગ્રહ

પરોઢનો પહેરો

ઑક્ટોબર ૨૦૨૬કવિતા

કોણ રે ઉઘાડે આ પૂરવની બારી, કોણ રે ઉઘાડે?
ઝાકળનાં મોતી વેરીને સૂરજને કોણ જગાડે?

વલોણાના ઘમકારે જાગી બાની ઓસરી રે,
ગાયની ગળે ઘૂઘરી બોલી, ભાંભરી વાછરડી રે;
દાતણ ચાવતા દાદા ઝીણું પ્રભાતિયું રે ગાય…
કોણ રે ઉઘાડે…

કૂવાને કાંઠે પનિહારી બેડલું રે ભરતી,
બેડલામાં આભ આખું ઝીલીને પાછી ફરતી;
ચકલીઓનું ટોળું આવી ફળિયું રે ઝાડે…
કોણ રે ઉઘાડે…

પરાગ કહે: આ સૂરજ તો રોજ નવો નવો રે આવે,
પણ જેની આંખો જાગે એને જ અજવાળું ફાવે;
અંધારું તો ઓશીકે સૂતું, જે મોડું આંખ ઉઘાડે…
કોણ રે ઉઘાડે…

– પરાગ રતનપરા

ગીત
← પહેલો લેખછૂટા શેર ૩૮૪૧–૩૮૬૫આગલો લેખ →અમાસનો દીવો