← મુખપૃષ્ઠ · કાવ્યસંગ્રહ

છૂટા શેર ૩૮૪૧–૩૮૬૫

ઑક્ટોબર ૨૦૨૬કવિતા

૩૮૪૧.
ઝરૂખે ચાંદ આવ્યો ને કહે, ‘તારો સખા ક્યાં છે?’
હસી મેં ચાંદને કીધું, ‘તમારી જેમ એ દૂરે.’

૩૮૪૨.
પિતાની લાકડી ખૂણે હજી ઊભી, જુએ રસ્તો,
હજી એને ભરોસો છે, ફરી ઝાલે પિતા એને.

૩૮૪૩.
વજન કાંટા ઉપર ઊભો, કહે કાંટો, ‘ખમૈયા કર!’
સવારે ચાલવું, સાંજે ફરી ગોટા, જલેબી, ચા.

૩૮૪૪.
ટપાલે આવતો કાગળ, ‘બકા, તું ઠીક છે ને, હાં?’
હવે તો ફોન રોજે છે, છતાં એ ‘હાં’ નથી મળતું.

૩૮૪૫.
અષાઢી મેહ ગામે ઊતરે, ચોરે ચડી બેસે,
નગરનો મેહ છત્રી ખોલતાં પ્હેલાં જ ચાલ્યો ગ્યો.

૩૮૪૬.
ગરીબીમાં હતો ઉત્સવ, હતો બસ ગોળ ને ધાણા,
છતાં આખું ય ઘર ઝળહળ, ખુશીથી સૌ હતાં ઝૂમ્યાં.

૩૮૪૭.
પરાગે ડાળને પૂછ્યું, ‘ખરે જ્યાં પાન, દુઃખે છે?’
હસી ડાળી કહે, ‘પાનું ખરે, તો કૂંપળો ફૂટે.’

૩૮૪૮.
ઝરૂખે કાગડો બોલ્યો, કહે બા, ‘કોઈ આવે છે’,
પછી ના કોઈ આવ્યું, ને હજી બા રાહમાં ઊભી.

૩૮૪૯.
ખુશીની શોધમાં દોડ્યો નગર, પરદેશ ને દરિયા,
ઘરે આવ્યો, હતી સૂતી ખુશી નાની હથેળીમાં.

૩૮૫૦.
તિરંગો લઈ ફરે નેતા, ગજાવે ભાષણો ઊંચાં,
અને જે સરહદે ઊભો, ન બોલ્યો એક પણ અક્ષર.

૩૮૫૧.
હતી એ ભીડમાં ઊભી, મળી આંખો, ઢળી પાંપણ,
હજી સ્ટેશન ઉપર ઊભો, ગયાં વરસો, વળી ના એ.

૩૮૫૨.
નવી ગાડી, નવું ઘર, ને નવો ટીવી, બધું લોને,
હવે હપ્તા ભરું છું ને ઉધારે શ્વાસ ચાલે છે.

૩૮૫૩.
પરોઢે ઝાલરો વાગી, અઝાનો પણ ભળી ત્યાં તો,
હવાએ બેઉને જોડ્યાં, રચાયું ગીત સહિયારું.

૩૮૫૪.
હથોડા ખાઈને પથ્થર થયો ભગવાન મંદિરમાં,
અમે ઠોકર જરા ખાધી, પછી રોયા સવારે લગ.

૩૮૫૫.
પરાગે શબ્દ વેર્યા જે, હવા લઈ ગઈ ગલીઓમાં,
હવે બાળક વળે ઘર, એ ગઝલ ગાતાં નિશાળેથી.

૩૮૫૬.
હતી પત્ની પિયર, ત્યારે ઘરે હું રાજ્યનો રાજા,
ફરી પાછી ઘરે આવી, ફરી વાસણ ઘસું છું હું.

૩૮૫૭.
હવે ઘરડાઘરે બેઠા, ગણે છે સાંજના તારા,
હતાં જે ચાર સંતાનો, હતા એ ચાર તારા પણ.

૩૮૫૮.
ઘણી વાતો કરી સૌથી, ઘણું બોલ્યા, ઘણું રોયા,
પછી ચુપ થઈ ગયા જ્યાં, ત્યાં ખુદા બોલ્યો હૃદયમાંથી.

૩૮૫૯.
અમીરોના ઘરે ડૉગી રહે એ.સી. મહીં ઠાઠે,
અને ઝાંપે ઠરે ભૂખ્યો બિચારો એ રખેવાળો.

૩૮૬૦.
હજારો કોસ ઊડીને, વિદેશી હંસ આવે છે,
અમારાં ગામનાં બાળો ગયાં પરદેશ, ના આવે.

૩૮૬૧.
અરીસો રોજ બોલે છે, ખરું જે હોય તે મુખ પર,
ગમે ના એ જ કારણ, ધૂળ ખાતો એ રહે ભીંતે.

૩૮૬૨.
નિશાળે દીકરી ચાલી, ખભે દફ્તર, હસે આંખો,
નિરક્ષર બા હસે, જાણે ભણે પોતે ય એ સાથે.

૩૮૬૩.
ભલે હું ફૂલ ના, તો પણ પરાગી મ્હેક તો મારી,
ખરી જાતાં બધાં ફૂલો, પરાગે જીવવું આગળ.

૩૮૬૪.
પિતાના હાથની રેખા ઘસાતી ગઈ મજૂરીમાં,
અમારી હસ્તરેખામાં સજાવ્યાં સુખ ઘસી ખુદને.

૩૮૬૫.
અમાસો કેટલી આવી, ઘણાં ગ્રહણો, ઘણા વાદળ,
છતાં ચાંદો નવો ઊગ્યો, ધરી પૂનમ, ફરી હસતો.

– પરાગ રતનપરા

---

કવિ: પરાગ રતનપરા · તખલ્લુસ: ‘પરાગ’
કાવ્ય ક્રમ ૧૯૩૨–૨૦૩૧ · શેર ક્રમ ૩૮૬૬–૪૦૬૫

શેર
← પહેલો લેખછૂટા શેર ૩૮૧૬–૩૮૪૦આગલો લેખ →પરોઢનો પહેરો