← મુખપૃષ્ઠ · કાવ્યસંગ્રહ

પરપોટો

ઑક્ટોબર ૨૦૨૬કવિતા

ઢાબાની પાછળ
ચોકડીમાં
બાર વરસનો છોટુ
વાસણ માંજે છે.

સાબુના ફીણમાંથી
એક પરપોટો ઊડે છે,
ને સાંજના તડકામાં
એમાં
આખું મેઘધનુષ ઊગી નીકળે છે.

છોટુ હાથ અટકાવે છે.
જુએ છે —
લાલ, પીળો, લીલો, જાંબલી…
નિશાળની ચોપડીમાં
એણે આ રંગો
ક્યારેય ગણ્યા નહોતા.

‘એ છોટુ! થાળી!’
માલિકની બૂમ.

પરપોટો ફૂટે છે.
છોટુ ફરી હાથ ઘસે છે —
પણ હવે
દરેક થાળીમાં
એ શોધે છે
એક મેઘધનુષ.

– પરાગ રતનપરા

અછાંદસ
← પહેલો લેખઉજાણીઆગલો લેખ →ભેજ