પપ્પાનો પલંગ
નાની હતી ત્યારે
વાવાઝોડાની રાતે
હું પપ્પાના પલંગમાં
ઘૂસી જતી —
એમની છાતી
મારે માટે કિલ્લો હતી.
આજે પપ્પા
હૉસ્પિટલના પલંગ પર છે,
ને મશીનની બીપ બીપ
વીજળીના કડાકા જેવી વાગે છે.
હું એમનો હાથ પકડીને
પાસે બેસું છું.
એ આંખ ઉઘાડીને
ધીમેથી પૂછે છે:
‘બીક લાગે છે, બેટા?’
ત્યારે સમજાય છે —
કિલ્લો તો
હજી પણ એ જ છે,
ફક્ત હવે
ચોકી
મારે કરવાની છે.
– પરાગ રતનપરા