← મુખપૃષ્ઠ · કાવ્યસંગ્રહ

પનિહારી

ઑક્ટોબર ૨૦૨૬કવિતા

કૂવાને કાંઠે ઊભી પનિહારી, સીંચે સીંચણ ધીરે,
ઘડો ભરાય ને ખાલી થાય, મારું મન ક્યાંય ના ઠરે.

દૂર વગડે વાંસળી વાગી, હાથથી છૂટ્યું દોરડું,
પાણી પાછું કૂવે પડ્યું, ને ઊંડું ગયું મન ભોળુડું;
સખીઓ હસે, ‘ક્યાં ખોવાણી?’ હું શું કહું રે ફરી ફરે…
કૂવાને કાંઠે…

બેડું માથે, ઈંઢોણી ઢળી, પગલાં પડે આડાંઅવળાં,
કૂવો જાણે, વાંસળી જાણે, જાણે આંખનાં ઝળઝળિયાં;
ભરેલું બેડું ખાલી લાગે, ખાલી હૈયું ઊભરે…
કૂવાને કાંઠે…

પરાગ કહે: આ કૂવો નથી, આ તો પ્રીતનો ઊંડો તાગ,
જેટલું સીંચો એટલું ઊંડું, એવો એનો રાગ;
પનિહારી ભલે ઘેર જાય, મન તો કૂવે જ ફરે…
કૂવાને કાંઠે…

– પરાગ રતનપરા

ગીત
← પહેલો લેખબાના સાડલેઆગલો લેખ →કહી દઉં?