← મુખપૃષ્ઠ · કાવ્યસંગ્રહ

પનઘટે

ઑક્ટોબર ૨૦૨૬કવિતા

હું તો અમથી અમથી ગઈ’તી પાણી ભરવા, સૈયર,
ને પાછી આવી હૈયું ખોઈને રે…

કૂવાને કાંઠે એક છેલ ઊભો’તો, હસીને માગ્યું એણે પાણી,
મેં તો ઘડો ધર્યો ને ઢોળાઈ ગઈ મારી અંદરની ઉઘરાણી;
સીંચણિયું સરક્યું ને સરકી હું યે, સૈયર, બેઠી ભાન ખોઈને રે…
હું તો અમથી અમથી…

ઘેર આવીને દીવો કરવા બેઠી, વાટને બદલે આંગળી બાળી,
માએ પૂછ્યું, ‘શું થયું રે દીકરી?’ હું તો ચૂપ રહીને મલકી ભોળી;
ચૂલે ખીચડી દાઝી ગઈ ને રાત ગઈ આખી, સૈયર, તારા જોઈને રે…
હું તો અમથી અમથી…

પરાગ કહે: આ પ્રેમનું પાણી ઘડે નહીં, ઘટમાં ભરાય,
એક ઘૂંટડો પીવા જાઓ, ત્યાં આખું આયખું ઢોળાય;
હવે પનઘટ પૂછે છે રોજ સવારે, સૈયર, સાદ દઈને રે…
હું તો અમથી અમથી…

– પરાગ રતનપરા

ગીત
← પહેલો લેખઅચાનકઆગલો લેખ →ઊંડાણ