પણ પીગળે
આંસુની એ ધારથી કો’ પથ્થરો પણ પીગળે,
એક માની આહથી તો પર્વતો પણ પીગળે.
વેર વર્ષોનું હતું, ને ગામ બે ભાગે હતું,
બાળ હસતું જ્યાં ગયું, ત્યાં દુશ્મનો પણ પીગળે.
જેલના સળિયા ય ભીના થાય છે, જ્યાં રાતભર
ગાય કેદી જો ભજન, તો સાંકળો પણ પીગળે.
જાત સાથે વાત કર, ને જાતને માફી ય દે,
પ્રેમ ખુદને આપ, તો આ આયનો પણ પીગળે.
આ પરાગે ફૂલ થઈને મ્હેકવું જાણ્યું, અને
ફૂલની મ્હેકે, પરાગે, કંટકો પણ પીગળે.
– પરાગ રતનપરા
#ગઝલ #કરુણા #પ્રેમ #ક્ષમા #માનવતા #પરાગરતનપરા
#GujaratiGhazal #Compassion #PowerOfLove #Forgiveness #EvenStonesMelt #ParagRatanpara