પણ નથી
છે નદી, છે નાવ, તોયે કો કિનારો પણ નથી,
ભીડ આખી સાથમાં છે, ને સહારો પણ નથી.
પિંજરામાં જન્મ લીધો, ને ગગન જોયું નથી,
એટલે તો ઊડવાનો કો ઇશારો પણ નથી.
દ્વાર ખુલ્લું, તોય પંખી પિંજરે બેઠું રહે,
બ્હાર એને આ જગતમાં ક્યાં ઉતારો પણ નથી.
ચણ મળે છે, જળ મળે છે, ને મળે છે છાંયડો,
તોય સાચો જિંદગીનો એ ગુજારો પણ નથી.
આ પરાગે પુષ્પને પૂછ્યું: ‘કહે, શું જોઈએ?’
‘મ્હેકવાને આંગણું કે કો પસારો પણ નથી.’
– પરાગ રતનપરા
#ગઝલ #પિંજરું #સ્વતંત્રતા #બંધન #આદત #પરાગરતનપરા
#GujaratiGhazal #CagedBird #Freedom #Conditioning #Longing #ParagRatanpara