પહેલી મુલાકાત
તમને સાંભરે એ મેળો, જ્યાં પહેલી વાર મળ્યાં’તાં રે?
ચકડોળે ચડતાં ચડતાં, બે હૈયાં ઊંચે ચડ્યાં’તાં રે.
તમે લીધી’તી લાલ બંગડી, હું શરમાઈ ગઈ’તી,
પાઈ-પૈસાનો હિસાબ કરતાં સાંજ ઢળી ગઈ’તી;
ગોળ-ધાણાના પડીકે આપણ સપનાં ગૂંથ્યાં’તાં રે…
તમને સાંભરે…
પચાસ વરસ ઘરસંસાર ને છોરાં-છૈયાં મોટાં,
આપણે ય હવે ચશ્માં પહેરી ગણીએ દવાના ગોટા;
તોય તમે જ્યાં ખોંખારો ખાઓ, મનડાં મારાં ધ્રૂજ્યાં’તાં રે…
તમને સાંભરે…
પરાગ કહે: આ પ્રીત નથી કંઈ ફૂલ, જે સાંજે કરમાય,
આ તો વડલો, જેમ જૂનો થાય તેમ ઘેઘૂર થાય;
ધ્રૂજતા હાથે હાથ પકડ્યો, જેમ પહેલે દિ’ પકડ્યા’તા રે…
તમને સાંભરે…
– પરાગ રતનપરા