પણ આપજે
ભાર દે તો સાથ સાથે બે ખભા પણ આપજે,
દર્દ દે તો, ઓ ખુદા, થોડી દવા પણ આપજે.
ઝૂંપડી નાની ભલે, પણ એક બારી રાખજે,
શ્વાસ લેવા જેટલી તાજી હવા પણ આપજે.
રાત કાળી દે ભલે, ભટકી જવાનો ડર નથી,
આભમાં એકાદ તારો ને દિશા પણ આપજે.
ભૂલ થાશે તો સજા દેજે, ખુદા, મંજૂર છે,
માફ કરતાં આવડે, એવી ક્ષમા પણ આપજે.
આ પરાગે ના કદી માગ્યો બગીચો, ઓ ખુદા,
મ્હેક જ્યાં વેરી શકું, બસ એ જગા પણ આપજે.
– પરાગ રતનપરા
#ગઝલ #પ્રાર્થના #ઈશ્વર #ક્ષમા #શ્રદ્ધા #પરાગરતનપરા
#GujaratiGhazal #Prayer #Faith #Forgiveness #Strength #ParagRatanpara