પળનો પડછાયો
પળનો પડછાયો તો જુઓ, કેવડો લાંબો થાય!
એક ઘડીની ભૂલ, ને આખું આયખું ઢંકાય.
એક વેણ બોલાઈ ગયું’તું ગુસ્સામાં, અધરાતે,
વરસો સુધી એ જ વેણ ઊગ્યું ઘરની ભીંતે;
માફી માગવા ગયો, ત્યાં તો ખાલી ખાટલો દેખાય…
પળનો પડછાયો…
એક ઘડી મેં રોકી લીધી દીકરીની ઉડાન,
આજે એની આંખોમાં હું વાંચું રોજ બયાન;
એક જ પળની ‘ના’ને લીધે કેટલું ‘હા’ ખોવાય…
પળનો પડછાયો…
પરાગ કહે: આ પળને જાળવ, ફૂલની જેમ સંભાળ,
પળમાં જ છે સ્વર્ગ ને નરક, પળમાં જ છે કાળ;
સારી પળનું અજવાળું પણ આખી રાત પથરાય…
પળનો પડછાયો…
– પરાગ રતનપરા