← મુખપૃષ્ઠ · કાવ્યસંગ્રહ

પહેલું બેડલું

ઑક્ટોબર ૨૦૨૬કવિતા

માથે મેલ્યું બેડલું ને છૂટી ગઈ મારી ઢીંગલી,
કૂવે ચાલી સખીઓ સંગે, વાગી પાયલ ઝીણલી.

માડી કહે: ‘હવે મોટી થઈ, ઓઢણી ઓઢી ચાલ’,
વીરો કહે: ‘મારી સંગે રમ’, પણ ક્યાં રહી એ કાલ?
કાલ હતી તે ઓટલે બેઠી, આજ ઊંબરે ઊભી એકલી…
માથે મેલ્યું બેડલું…

કૂવા કાંઠે પાણી સીંચું, પાણીમાં જોઉં મુખ,
પાણીમાં ઝબકે કોઈ સપનું, ના સમજાતું સુખ;
ભર્યું બેડું ભારે લાગે, તોય હૈયું ઊડે જાણે ચકલી…
માથે મેલ્યું બેડલું…

પરાગ કહે: આ બેડું નથી, ઉંમરનો આ ભાર,
ઢીંગલી છૂટે ત્યાંથી માંડે ઓઢણીનો સંસાર;
હસતી હસતી છોરી ચાલી, થઈને જાણે કૂણી વેલી…
માથે મેલ્યું બેડલું…

– પરાગ રતનપરા

ગીત
← પહેલો લેખલાકડીઆગલો લેખ →ઝાઝું ન માગું