ઝાઝું ન માગું
ઝાઝું ન માગું રે વહાલા, ઝાઝું ન માગું,
રોટલો, ઓટલો ને મીઠી નીંદર — એથી વધુ શું માગું?
ખેતરે ઝરમર મેહ દેજે, ગોરસ દેજે ગાયે,
પાડોશીના ઘરમાં દીવો મારા ઘર સમ થાયે;
કોઈનું છીનવી લેવું પડે, એવું સુખ ના તાગું…
ઝાઝું ન માગું…
છોરાં સાચું બોલે એવું દેજે ભણતર-ભાષા,
ઘરડાં મા-બાપ ઘરમાં રહે, બીજી ન કોઈ આશા;
દુઃખ આવે તો ગીત ગાઈ લઉં, એવો કંઠ જ માગું…
ઝાઝું ન માગું…
પરાગ કહે: જે માગ્યું થોડું, એમાં જ આખું આભ,
ઓછામાં જે રાજી રહે, એનો મોટો લાભ;
ઝાંઝવાં પાછળ જગ દોડે, હું શીદને ભાગું?
ઝાઝું ન માગું…
– પરાગ રતનપરા